રાજકોટમાં આજી ડેમમાં ઝંપલાવી ભરયુવાનીમાં CAનો અભ્યાસ કરતા શુભમ બગથરિયા (ઉં.વ.21)એ જિંદગી ટૂંકાવતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. યુવકે આપઘાત કરતાં પહેલાં પોતાના મોબાઈલમાં બે વીડિયો બનાવ્યા હતા, જેમાં તે બોલે છે કે ‘તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી’ વીડિયો બનાવ્યા બાદ યુવક આજી ડેમમાં કૂદી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી છે અને તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.
વીડિયોમાં શું બોલ્યો શબ્દશઃ
‘બહુ મહેનત કરી મેં, આ સ્ટેપ ઉઠાવવા માટે હું મજબૂર છું, કારણ કે મારાથી એટલાં બધાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો, કારણ છે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું…
પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો
અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. પ્લીઝ…જિંદગી જીવજો. પપ્પા, મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે એ ચૂકવાય તેને ચૂકવી દેજો. બસ, આટલું જ કહેવું છે જાઉં છું હવે. આટલું બોલી હાથથી બાય બાય કર્યું હતું’
વીડિયો બનાવી પિતાને મોકલ્યો
શુભમે ગઈકાલે સાંજે વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો, પરંતુ પપ્પાનું નેટ બંધ હતું. સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતાં વીડિયો જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં રાતભર પરિવાર તેમને શોધવા નીકળી ગયો હતો. આજે સવારે લોકેશન મળતાં વહેલી સવારે 5 વાગ્યાથી શુભમના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.
તીનપત્તીમાં એક લાખથી વધુ રૂપિયા હાર્યાનું વીડિયોમાં ઉલ્લેખ
યુવક વીડિયોમાં તીનપત્તી ગેમમાં એક લાખથી વધુ રૂપિયા હારી ગયાનું બોલે છે, જેમાં તેણે અલગ અલગ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા એવો ઉલ્લેખ કર્યો છે. માત્ર આ જ કારણ નહીં, અન્ય પણ કેટલાંક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે. source – divyabhaskar