જામનગરમાં હૃદયરોગનાં તબીબનું હાર્ટએટેકથી ડો.ગૌરવ ગાંધીનું મોત થયું તે ભુલી શકાય તેમ નથી અને હવે ગુજરાત રાજ્યનાં નવસારીમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
નવસારી જિલ્લાના પરતાપોર ગામની એબી સ્કુલની ધોરણ ૧૨ ની વિદ્યાર્થિનીને લંચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો અને સ્કુલે જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. હૃદયરોગનાં હુમલાનાં કારણે એક સગીર વિદ્યાર્થીનું મોત થતાં ફરી ચિંતા વધી છે.
નવસારીમાં યુવાન વિદ્યાર્થિનીનું અચાનક મોત થતાં કાર્ડિયોલોજિસ્ટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સ્કુલ પ્રશાસનનાં જણાવ્યા પ્રમાણે ૧૭ વર્ષની તનીષા ગાંધી ધોરણ ૧૨ ની વિદ્યાર્થિની હતી. તે સ્કુલમાં અભ્યાસની સાથે નીટની પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને ડોક્ટર બનવા માંગતી હતી.
એ જ તેનું સપનું હતું. સોમવારે તે સ્કુલમાં લંચ ટાઈમ દરમિયાન અન્ય સ્ટુડન્ટ્સ સાથે ત્રીજાથી ચોથા માળે જઈ રહી હતી. પછી અચાનક તે સીડી પરથી નીચે પડી ગઈ.
શાળાનો સ્ટાફ તનીષાને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સ્કુલમાં એક વિદ્યાર્થિનીનું અચાનક મોત થતાં સ્કુલમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી જ્યારે સ્કુલમાં બાળકો અને શિક્ષકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતાં.
એબી સ્કુલનાં શિક્ષકોનું કહેવું છે કે તનીષા ખુબ જ હોશિયાર વિદ્યાર્થી હતી. ડોક્ટરોએ જણાવ્યું છે કે તનીષાના મોતનું પ્રાથમિક કારણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ છે, જોકે તનીષાના મોતનું કારણ જાણવા માટે પી.એમ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
તનીષાના પરિવારમાં તેના પિતાનો સમાવેશ થાય છે. તનીષા ડોક્ટર બનવાનું સપનું પુરું કરવા માંગતી હતી. તનીષાની માતાનું કોરોનાનાં કારણે મોત થયું હતું. પહેલા પત્નિ અને બાદમાં પુત્રીના મોતથી પિતા પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે.
જ્યારે પિતાને દિકરીનાં મોતની માહિતી મળી તો તે બેભાન થઈ ગયા હતાં. કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે કોરોના કાળના કારણે બાળકો પર ખુબ જ વિપરીત અસર પડી છે. તેની બહારની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં બાળકો પણ હાર્ટએટેકનાં દાયરામાં આવી ગયા છે.