અમદાવાદ: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગલ વધી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે.
ગુજરાત તરફ આગળ વધ્યું
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે. વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે.
દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે.
દરિયા કિનારે બદલાયું સિગ્નલ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવે દરિયા કિનારે લગાવેલ સિગ્નલ બદલી હવે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.
વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર ઍલર્ટ
- મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરે શરૂ કરી તૈયારી.
- ગંભીર પરિસ્થિતિમાં લોકોના બચાવકાર્યને લઈને યોજના અને પ્રભાવિત વિસ્તારોમાં બ્લૉક સ્તરે છાવણીની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે કરી ચર્ચા.
- ગુજરાતના દરિયાકિનારે બધે 2 નંબરનું સિગ્નલ
- પોરબંદરમાં 295 શાળાને વાવાઝોડા સમયે છાવણીમાં ફેરવી દેવાની વ્યવસ્થાને લઈને અપાઈ સૂચના
- કચ્છમાં વાવાઝોડાની સ્થિતિમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ, દવાઓ છાવણીમાં મળી રહે તે માટે પણ અપાઈ સૂચના
તિથલ બીચ 14 જૂન સુધી બંધ
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના મામલતદારે જણાવ્યું છે કે, “અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે.
જો જરૂર પડશે તો દરિયાકાંઠાની નજીક આવેલા ગામડાઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે 14 જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. વલસાડના ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”