યુકેના લંડનમાં શુક્રવારે એક ભારતીય વિદ્યાર્થીની તેના ફ્લેટમેટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર37 વર્ષના અરવિંદ શશિકુમારને 25 વર્ષના સલમાન સલીમે છાતિમાં ચાકુ મારી દીધું, જેથી તેનું મૃત્યુ થઈ ગયું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક અને આરોપી બંને કેરળના રહેવાસી હતા. આ ઘટના સહિત બ્રિટનમાં છેલ્લા ચાર દિવસમાં 3 ભારતીયોની હત્યા કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક અને આરોપી કેમ્બરવેલના સાઉથમ્પટન વે વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા હતા. ફ્લેટમાં તેની સાથે રહેતા બે લોકોએ પોલીસને જણાવ્યું કે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે એક વાગ્યા બાદ બની હતી. પોલીસને બપોરે 1:30 વાગ્યે તેની માહિતી મળી હતી. આરોપી સલમાન ઉપરાંત પોલીસે ઘટના સમયે હાજર રહેલા બે મલયાલી રૂમમેટની પણ અટકાયત કરી છે.
આરોપીને 20 જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે અરવિંદ શશીકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર આરોપીએ તેની છાતી પર ચાકુ માર્યું હતું. પોલીસે આરોપી સલમાન સલીમને શનિવારે ક્રોયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. તેને 20 જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મૃતક શશી 10 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર યુકેમાં હતો
શશીકુમાર છેલ્લા 10 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર યુકેમાં રહેતો હતો. તેના પરિવારને જાણ કરવામાં આવી છે. સ્પેશિયલ ક્રાઈમ કમાન્ડની મદદથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડિટેક્ટિવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સેબ અદજેઈ-અડોહે કહ્યું- આ ઘટના ખૂબ જ દુઃખદ છે. અમે આ હત્યા માટે જવાબદારોને કેસમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું.
આ અઠવાડિયે વધુ 2 ભારતીયો માર્યા ગયા
થોડા દિવસો પહેલા હૈદરાબાદની 27 વર્ષીય યુવતીની લંડનમાં તેના ઘરે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. યુવતીની ઓળખ 27 વર્ષીય તેજસ્વિની રેડ્ડી તરીકે થઈ હતી, જે લંડનના વેમ્બલીમાં તેના મિત્રો સાથે રહેતી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. તેજસ્વિની ગયા વર્ષે માર્ચમાં તેના માસ્ટર્સ માટે લંડન ગઈ હતી.
નોટિંગહામશાયરમાં ત્રણ લોકોનાં મોત થયા હતા
અગાઉ નોટિંગહામશાયરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા. જેમાં ભારતીય યુવા ક્રિકેટર અને હોકી પ્લેયર ગ્રેસ ઓ’માલી કુમારનું પણ મોત થયું હતું. પોલીસે આ કેસમાં 31 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.